Sunday, October 5, 2008

ફરીવાર રંગત મળી ગઇ.

ફરીવાર ખીલી ઉતરતી જવાની
ફરીવાર એની મહોબ્બત મળી ગઇ,
ઉષાની નહીં, તો ભલે સાંજની પણ
જીવનમાં ફરીવાર રંગત મળી ગઇ.

ફરીથી મને થઇ મુલાકાત એની
ફરીથી મને એની સંગત મળી ગઇ,
ફરી ચાંદ ઊગ્યો, ફરી ફૂલ ખીલ્યાં
ફરીથી આ દુનિયાને કુદરત મળી ગઇ.

કોઇ મહેફિલોમાં નથી હું જવાનો
મને લાભ આવો ક્યાં થવાનો?
સલામત ખુદા રાખે તનહાઇ મારી,
મને મારી પોતાની સોબત મળી ગઇ.

ફૂલો પરની ઝાકળ, ગગનના સિતારા,
સમંદરનાં મોતી - છે સૌ આંસુ મારાં,
બધું ખોઇ ને હું જ મુફલિસ થયો ને
સકળ વિશ્વને મારી દોલત મળી ગઇ.

જગતમાં મળી નહોતી તક જીવવાની,
કસર કાઢવી છે હવે એ બધાની,
ખુદાની ગણો ખાસ એ મહેરબાની
જીવન આપનારી કયામત મળી ગઇ.

વિચાર આ બધાં લોકનો બહુ જુનો છે,
મને પણ હતું કે મહોબ્બત ગુનાહ છે,
મગર મેં કયામતમાં બેફામ એની
કબૂલાત કીધી તો જન્નત મળી ગઇ.

No comments: