Showing posts with label Life. Show all posts
Showing posts with label Life. Show all posts

Tuesday, October 28, 2008

લાવ થામું હું હાથ તારો અને તને,


લાવ થામું હું હાથ તારો અને તને,

સાત જન્મો સુધી મારો બનાવી લઊં..


લાવ મારા હાથની મહેંદીમાં લખું નામ તારું,

અને તને જીવનમાં મારાં આજીવન લખી દઊં..


લાવ તારી આંખો નાં સ્વપ્ન આપ મને,

અને એને હું તારી માટે સાચા બનાવી દઊં..


લાવ તારી આંખો નાં આંસુ આપ મને,

અને હસીથી હું મારી તારાં હોઠોને સજાવી દઊં..


લાવ સઘળાં દુખો આપ મને સાજન,

અને મારાં સુખોથી હું તારો ભંડાર ભરી દઊં..


લાવ તારી પગરજ આપ મને સાજન અને,

હું એને માથે લગાવી તને મારો પર્મેશ્વર બનાવી દઊં…


-રાધેક્રિશ્ના…

Monday, October 20, 2008

Gujarati Kavita : Sanam (સનમ)

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ

વેબસાઇટ ઉપર મળે છે સનમ

ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો

અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં

તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ

ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ

ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર

સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું

સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો

ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવેર હવે

એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે

ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ

કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ

- અદમ ટંકારવી

Saturday, October 11, 2008

હોવાપણું

વાંચવું છે હાથ પરનું છૂંદણું,
હું અભણ, બારખડી તેથી ભણું.

કંઇ નથી બાકી કહેવાનું હવે,
તું ઇશારાથી જ સમજે તો ઘણું !

મનની ભીતર સ્વપ્ન થરથર કાંપતું,
એટલે બચવા કર્યું મેં તાપણું.

છે યુગોથી બંધ સમજણનું મકાન,
ખૂબ કોશિશ કરી.... ન ખૂલ્યું બારણું.

આજ તારા આવવાની જોરદાર,
એક અફવાથી સજાવ્યું આગણું.

એક સાંજે આપણે દરિયા તટે,
હા, લખ્યું તું રેત પર હોવાપણું.

Monday, October 6, 2008

રેતી સમયની

શ્ર્વાસના પાના ઉપર ફોરમ લખી છે,
ભીંજવી દેશે તને મોસમ લખી છે.

કાળજે ટાઢક વળે એવું બને પણ,
એક પંક્તિ આમ લીલીછમ લખી છે.

હું જ જ્યાં છૂટો પડ્યો તમને મળીને,
એ વિયોગોમાં ગઝલ કાયમ લખી છે.

ઓગળે તો ઓગળે રેતી સમયની.
ક્ષણ ઉપર ભીનાશને હરદમ લખી છે.

કેટલા કોરા દિવસ વીતે હજીયે,
વાત મારા પ્રેમની મોઘમ લખી છે.

Wednesday, April 18, 2007

શોધીએ છીએ. .........

ક્યારેક અનુભવોમાંથી અમૃત શોધીએ છીએ,

ક્યારેક અમૃત વલોવી જહર શોધીએ છીએ.


કદી મનનાં ઉપવન ખૂંદીને અહંને શોધીએ છીએ,

ને અહંના એ કાદવને ખૂંદી કમળ શોધીએ છીએ.


ઉજાગરા સદીઓથી સદી ગયા છે અમને તોય,

દીવો લઇ કદી પેલી નિંદરને શોધીએ છીએ.



વાતો કડવી કરી કરી સ્વજનોને દુભવ્યા છે,

હવે એમનાં દિલમાં મધુરપ શોધીએ છીએ.



કરી અલવિદા વતનને વસ્યા પરદેશ જઈ,

હવે વતનની પેલી મીઠાશને શોધીએ છીએ.



સમંદર ને સરોવરને ચાલ્યા ઠોકરે ઠેલી

હવે મૃગજળમાં કાં જળ શોધીએ છીએ?



કદી ન આપ્યો આદર જેને ન હૂંફ આપી છે,

એની પાસેથી હવે સમભાવ શોધીએ છીએ.



સમજતો કેમ નથી જીવડા, વાવ્યું નથી જે,

એ લણવા માટે શી વરાપ શોધીએ છીએ?