Tuesday, October 28, 2008

લાવ થામું હું હાથ તારો અને તને,


લાવ થામું હું હાથ તારો અને તને,

સાત જન્મો સુધી મારો બનાવી લઊં..


લાવ મારા હાથની મહેંદીમાં લખું નામ તારું,

અને તને જીવનમાં મારાં આજીવન લખી દઊં..


લાવ તારી આંખો નાં સ્વપ્ન આપ મને,

અને એને હું તારી માટે સાચા બનાવી દઊં..


લાવ તારી આંખો નાં આંસુ આપ મને,

અને હસીથી હું મારી તારાં હોઠોને સજાવી દઊં..


લાવ સઘળાં દુખો આપ મને સાજન,

અને મારાં સુખોથી હું તારો ભંડાર ભરી દઊં..


લાવ તારી પગરજ આપ મને સાજન અને,

હું એને માથે લગાવી તને મારો પર્મેશ્વર બનાવી દઊં…


-રાધેક્રિશ્ના…

Gujarati Gazal : રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !

રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !


ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે !


ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને,

પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે .


સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા,

હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે !


અહીં તો એક ધારી જિંદગી વીતી છે વર્ષો થી,

તમે માનો કે જીવનના બધા સરખા દિવસ ક્યાં છે.


-મરીઝ

Monday, October 20, 2008

Gujarati Kavita : Sanam (સનમ)

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ

વેબસાઇટ ઉપર મળે છે સનમ

ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો

અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં

તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ

ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ

ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર

સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું

સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો

ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવેર હવે

એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે

ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ

કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ

- અદમ ટંકારવી

Saturday, October 11, 2008

હોવાપણું

વાંચવું છે હાથ પરનું છૂંદણું,
હું અભણ, બારખડી તેથી ભણું.

કંઇ નથી બાકી કહેવાનું હવે,
તું ઇશારાથી જ સમજે તો ઘણું !

મનની ભીતર સ્વપ્ન થરથર કાંપતું,
એટલે બચવા કર્યું મેં તાપણું.

છે યુગોથી બંધ સમજણનું મકાન,
ખૂબ કોશિશ કરી.... ન ખૂલ્યું બારણું.

આજ તારા આવવાની જોરદાર,
એક અફવાથી સજાવ્યું આગણું.

એક સાંજે આપણે દરિયા તટે,
હા, લખ્યું તું રેત પર હોવાપણું.

તારું સમરણ

શબ્દ જ્યારે પણ સમજણો થાય છે,
અર્થ ત્યારે કંકુવરણો થાય છે.

આમ હળવું ફૂલ છે તારું સમરણ,
આમ રાતે બોજ બમણો થાય છે.

આંસુઓથી એ સતત ભીંજાય છે,
પ્રેમપંથ એથી લપસણો થાય છે.

આ સવારો, સાંજ, પાછી રાત પણ,
તુંય કાં સૂરજ, બટકણો થાય છે ?

રોજ નમણું રૂપ સામે જોઇને,
જો અરીસો પણ આ નમણો થાય છે.

Monday, October 6, 2008

હાથમાં ચાંદની

જુઓ તો જરા ક્યાંક હાલી રહી છે,
નરી રેતમાં નાવ ચાલી રહી છે !

પવનની અડી આંગળી જ્યાં રણોમાં,
તરંગોની જાહોજલાલી રહી છે !

થયા તા અહીં કૈંક મોજાંય પાગલ,
કિનારે હજી વાત ફાલી રહી છે !

હજી હાથમાં ચાંદની એ હથેળી,
સતત આપતી હાથતાલી રહી છે !

તમે કેમ છો ! પૂછતી વેદનાને,
મળ્યાની મનોમન ખુશાલી રહી છે !

રેતી સમયની

શ્ર્વાસના પાના ઉપર ફોરમ લખી છે,
ભીંજવી દેશે તને મોસમ લખી છે.

કાળજે ટાઢક વળે એવું બને પણ,
એક પંક્તિ આમ લીલીછમ લખી છે.

હું જ જ્યાં છૂટો પડ્યો તમને મળીને,
એ વિયોગોમાં ગઝલ કાયમ લખી છે.

ઓગળે તો ઓગળે રેતી સમયની.
ક્ષણ ઉપર ભીનાશને હરદમ લખી છે.

કેટલા કોરા દિવસ વીતે હજીયે,
વાત મારા પ્રેમની મોઘમ લખી છે.

Sunday, October 5, 2008

વિશ્વાસ

ચાહું છું કોઈમાં વિશ્વાસ મૂકી દઉં આજે,
જિંદગી કોઈનો એ રીતે સહારો લઈ લે;
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં,
જેમ સાગરનો બધો ભાર કિનારો લઈ લે !

- ગની દહીંવાલા

ફરીવાર રંગત મળી ગઇ.

ફરીવાર ખીલી ઉતરતી જવાની
ફરીવાર એની મહોબ્બત મળી ગઇ,
ઉષાની નહીં, તો ભલે સાંજની પણ
જીવનમાં ફરીવાર રંગત મળી ગઇ.

ફરીથી મને થઇ મુલાકાત એની
ફરીથી મને એની સંગત મળી ગઇ,
ફરી ચાંદ ઊગ્યો, ફરી ફૂલ ખીલ્યાં
ફરીથી આ દુનિયાને કુદરત મળી ગઇ.

કોઇ મહેફિલોમાં નથી હું જવાનો
મને લાભ આવો ક્યાં થવાનો?
સલામત ખુદા રાખે તનહાઇ મારી,
મને મારી પોતાની સોબત મળી ગઇ.

ફૂલો પરની ઝાકળ, ગગનના સિતારા,
સમંદરનાં મોતી - છે સૌ આંસુ મારાં,
બધું ખોઇ ને હું જ મુફલિસ થયો ને
સકળ વિશ્વને મારી દોલત મળી ગઇ.

જગતમાં મળી નહોતી તક જીવવાની,
કસર કાઢવી છે હવે એ બધાની,
ખુદાની ગણો ખાસ એ મહેરબાની
જીવન આપનારી કયામત મળી ગઇ.

વિચાર આ બધાં લોકનો બહુ જુનો છે,
મને પણ હતું કે મહોબ્બત ગુનાહ છે,
મગર મેં કયામતમાં બેફામ એની
કબૂલાત કીધી તો જન્નત મળી ગઇ.