Wednesday, November 5, 2008

Gujarati Gazal : જ્યારે પ્રણયની જગમાં

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક,
રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે.

ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર,
ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે.

ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં,
તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે.

‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો,
દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે.

- આદિલ મન્સૂરી

Tuesday, October 28, 2008

લાવ થામું હું હાથ તારો અને તને,


લાવ થામું હું હાથ તારો અને તને,

સાત જન્મો સુધી મારો બનાવી લઊં..


લાવ મારા હાથની મહેંદીમાં લખું નામ તારું,

અને તને જીવનમાં મારાં આજીવન લખી દઊં..


લાવ તારી આંખો નાં સ્વપ્ન આપ મને,

અને એને હું તારી માટે સાચા બનાવી દઊં..


લાવ તારી આંખો નાં આંસુ આપ મને,

અને હસીથી હું મારી તારાં હોઠોને સજાવી દઊં..


લાવ સઘળાં દુખો આપ મને સાજન,

અને મારાં સુખોથી હું તારો ભંડાર ભરી દઊં..


લાવ તારી પગરજ આપ મને સાજન અને,

હું એને માથે લગાવી તને મારો પર્મેશ્વર બનાવી દઊં…


-રાધેક્રિશ્ના…

Gujarati Gazal : રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !

રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં !


ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે !


ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને,

પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે .


સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા,

હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે !


અહીં તો એક ધારી જિંદગી વીતી છે વર્ષો થી,

તમે માનો કે જીવનના બધા સરખા દિવસ ક્યાં છે.


-મરીઝ

Monday, October 20, 2008

Gujarati Kavita : Sanam (સનમ)

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ

વેબસાઇટ ઉપર મળે છે સનમ

ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો

અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં

તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ

ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ

ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર

સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું

સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો

ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવેર હવે

એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે

ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ

કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ

- અદમ ટંકારવી